એકમ : 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજ શાસનની સ્થાપના સ્વાધ્યાય
સત્ર : પ્રથમ
સ્વાધ્યાય નાં પ્રશ્નો ના જવાબો :
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં આપો :
(1) યુરોપનાં કયાં કયાં રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી?ઉત્તર : યુરોપનાં પોર્ટુગલ, સ્પેઇન, હોલૅન્ડ વગેરે રાષ્ટ્રોએ ભારત આવવાનો જળમાર્ગ શોધવા કમર કસી હતી.
(2) યુરોપની પ્રજાને ભારતીય મરી-મસાલાની ખૂબ આવશ્યકતા શાથી હતી?
ઉત્તર : યુરોપની પ્રજા મહદ્અંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા માટે તેમને મરી, તજ, સૂંઠ જેવા મરી-મસાલાની ખૂબ આવશ્યકતા હતી.
(3) કયા યુદ્ધના પરિણામસ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ અમલમાં આવી?
ઉત્તર : ઈ. સ. 1764ના બક્સરના યુદ્ધના પરિણામસ્વરૂપ બંગાળમાં દ્વિમુખી શાસનપદ્ધતિ અમલમાં આવી.
(4) કયા ધારા અન્વયે સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ?
ઉત્તર : ઈ. સ. 1773ના નિયામક ધારા અન્વયે ભારતમાં સર્વોચ્ચ અદાલતની સ્થાપના થઈ.
પ્રશ્ન 2. (અ) ટૂંક નોંધ લખો.
(1) પ્લાસીનું યુદ્ધઉત્તર : પ્લાસીનું યુદ્ધ બંગાળના નવાબ સિરાજ-ઉદ્-દૌલા અને અંગ્રેજો વચ્ચે થયું હતું. સિરાજ-ઉદ્-દૌલાએ 15 જૂન, 1756ના રોજ ફૉર્ટ વિલિયમ પર આક્રમણ કરી અંગ્રેજોને પરાજિત કર્યા. આ સમાચાર મળતાં મદ્રાસ(ચેન્નઈ)ના અંગ્રેજોએ ક્લાઇવના નેતૃત્વ નીચે લશ્કરને કલકત્તા (કોલકાતા) મોકલ્યું. નવાબના વિશ્વાસુ માણેકચંદે લાંચ લઈને કલકત્તા (કોલકાતા) અંગ્રેજોને આપી દીધું. અંગ્રેજો સીધી લડાઈમાં નવાબ સિરાજ-ઉદ્-દૌલાને હરાવી શકે તેમ નહોતા. તેથી તેમણે સિરાજ-ઉદ્-દૌલાને હરાવવા લાંચ અને લાલચ જેવી કૂટનીતિ – કાવતરાનો આશરો લીધો. ક્લાઇવે બંગાળના મુખ્ય સેનાપતિ મીરજાફરને નવાબ બનાવવાની લાલચ આપીને તેનો ટેકો મેળવ્યો (તેને ફોડી નાખ્યો). તેણે બંગાળના મોટા શાહુકારી જગત શેઠ, રાય દુર્લભ અને અમીચંદને પણ પોતાના પક્ષમાં લીધા.
માર્ચ, 1757માં અંગ્રેજોએ ફ્રેન્ચ વસાહત પર આક્રમણ કરી નવાબના સાર્વભૌમત્વને પડકાર્યું. પરિણામે 23 જૂન, 1757ના રોજ મુર્શિદાબાદ પાસે આવેલા ‘પ્લાસી’ના મેદાનમાં ક્લાઇવના નેતૃત્વ હેઠળ અંગ્રેજ સૈન્ય અને સિરાજ-ઉદ્-દૌલાના સૈન્ય વચ્ચે યુદ્ધ થયું. સેનાપતિ મીરજાફરના વિશ્વાસઘાતને કારણે પ્લાસીના યુદ્ધમાં સિરાજ-ઉદ્-દૌલાની હાર થઈ. સિરાજ-ઉદ્-દૌલાને પકડીને તેની હત્યા કરવામાં આવી.
અંગ્રેજોએ મીરજાફરને બંગાળનો નવાબ બનાવ્યો, તેના બદલામાં મીરજાફરે અંગ્રેજોને બંગાળની 24 પરગણાંની જાગીર આપી અને જકાત ભર્યા વિના વેપાર કરવાની છૂટ આપી. આમ, પ્લાસીના યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજ સત્તાનો પ્રારંભ થયો.
(2) બક્સરનું યુદ્ધ
ઉત્તર : બક્સરનું યુદ્ધ 22 ઑક્ટોબર, 1764ના રોજ બંગાળના નવાબ મીરકાસીમ, અવધના નવાબ અને મુઘલ શહેનશાહ શાહઆલમ બીજાના સંયુક્ત લશ્કર અને મૅજર મનરોના નેતૃત્વ હેઠળના અંગ્રેજોના લશ્કર વચ્ચે થયું. સંયુક્ત લશ્કરમાં 50,000 સૈનિકો હતા, જ્યારે અંગ્રેજોના લશ્કરમાં માત્ર 7072 સૈનિકો જ હતા. આમ છતાં, સંયુક્ત લશ્કરની હાર થઈ અને અંગ્રેજોની જીત થઈ.
અંગ્રેજોએ બંગાળના નવાબ તરીકે મીરકાસીમને પદભ્રષ્ટ કર્યો. યુદ્ધને અંતે થયેલા કરાર મુજબ અંગ્રેજોને બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)માં જમીનમહેસૂલ ઉઘરાવવાની દીવાની સત્તા મળી, જ્યારે વહીવટ કરવાની જવાબદારી નવાબને સોંપવામાં આવી, દીવાની સત્તાથી અંગ્રેજો વાસ્તવિક રીતે બંગાળના શાસક અને માલિક બન્યો.
આમ, બક્સરના યુદ્ધથી બંગાળ, બિહાર અને ઓરિસ્સા (ઓડિશા)માં અંગ્રેજોની અને નવાબની બેવડી શાસનપદ્ધતિ અમલમાં આવી. આ વ્યવસ્થા ‘દ્વિમુખી શાસનપદ્ધતિ’ તરીકે ઓળખાઈ.
(3) અંગ્રેજ -મરાઠા યુદ્ધ
ઉત્તર : મરાઠા અને અંગ્રેજો વચ્ચે (ઈ. સ. 1775થી ઈ. સ. 1782) થયેલા પ્રથમ યુદ્ધમાં કોઈની હાર-જીત ન થઈ. સાલબાઈની સંધિ મુજબ બંનેએ એકબીજાના પ્રદેશો પરત આપ્યા. દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1803થી ઈ. સ. 1805 દરમિયાન થયું. તેમાં વેલેસ્લીના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુનાની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા. તૃતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1817થી 1819 દરમિયાન થયું. તેમાં મરાઠાઓની હાર થઈ. અંગ્રેજોએ પેશ્વાને પુણેમાંથી દૂર કરી કાનપુર પાસે બિઠુરમાં મોકલી દીધો. પેશ્વાને પેન્શન આપવામાં આવ્યું. આ યુદ્ધના વિજયથી વિંધ્યાચળથી છેક દક્ષિણ ભારત સુધી અંગ્રેજોની સત્તા સ્થપાઈ. આમ, ઈ. સ. 1818 સુધીમાં સંપૂર્ણ ભારત પર બ્રિટિશ સત્તા સ્થપાઈ ગઈ.
(4) મૈસૂર વિગ્રહો
ઉત્તર : દક્ષિણ ભારતમાં ઈ. સ. 1761માં વિજયનગર સામ્રાજ્યના અંત પછી હૈદરઅલીના નેતૃત્વમાં મૈસૂર સૌથી શક્તિશાળી રાજ્ય બન્યું. હૈદરઅલીએ પોતાના લશ્કરના સૈનિકોને યુરોપિયન પદ્ધતિએ તાલીમ આપી શસ્ત્રસજ્જ કર્યું. હૈદરઅલીની ઝડપથી વધતી સત્તા અને શક્તિને કારણે અંગ્રેજો ભયભીત થયા. અંગ્રેજોએ મૈસૂરની સત્તા હસ્તગત કરવા મૈસૂર સાથે ઈ. સ. 1767 – 69, ઈ. સ. 1780 – 84, ઈ. સ. 1790 – 92, અને ઈ. સ. 1799નાં વર્ષો દરમિયાન ચાર વિગ્રહો કર્યા.
આ વિગ્રહો પૈકી પ્રથમ બે વિગ્રહો હૈદરઅલી સાથે અને બીજા વિગ્રહો હૈદરઅલીના શક્તિશાળી પુત્ર ટીપુ સુલતાન સાથે થયા.
પ્રથમ વિગ્રહનું કોઈ પરિણામ ન આવ્યું. દ્વિતીય વિગ્રહ દરમિયાન ઈ. સ. 1782માં હૈદરઅલીનું મૃત્યુ થતાં બંને પક્ષો વચ્ચે સંધિ થઈ. તૃતીય મૈસૂર વિગ્રહમાં ટીપુ સુલતાનનો કારમો પરાજય થયો. ચતુર્થ વિગ્રહમાં ટીપુ સુલતાન લડતાં લડતાં વીરગતિ પામ્યો. આમ, અંગ્રજોએ મૈસૂરની સત્તાનો અંત આણી બ્રિટિશ સામ્રાજ્યને સુદઢ બનાવ્યું.
ગવર્નર જનરલ લૉર્ડ વેલેસ્લીએ મૈસૂર રાજ્ય અગાઉના વાડિયાર રાજવંશને સોંપ્યું અને તેને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પાડી.
પ્રશ્ન 2. (બ) નીચેના પ્રશ્નોના ઉત્તર આપો.
(1) યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી. વિધાન સમજાવો.ઉત્તર : પ્રાચીનકાળથી ભારત અને યુરોપના દેશો વચ્ચે મોટા પાયા પર વેપાર-ધંધો ચાલતો હતો. એ સમયે યુરોપનાં બજારોમાં ભારતથી મરી-મસાલા, તેજાના, સુતરાઉ કાપડ, રેશમી કાપડ, ગળી, સૂરોખાર, ઇમારતી લાકડાં, અફીણ વગેરેની ખૂબ મોટા પ્રમાણમાં નિકાસ થતી હતી. પૂર્વ અને પશ્ચિમના દેશો વચ્ચેનો વેપાર મધ્ય એશિયાના જમીનમાર્ગે થતો. એ સમયમાં કૉન્સ્ટેન્ટિનોપલ શહેર ભારત અને યુરોપ વચ્ચે જમીનમાર્ગે ચાલતા વેપારનું મુખ્ય મથક હતું. ઈ. સ. 1453માં તુર્કોએ યુરોપનું પ્રવેશદ્વાર ગણાતું આ શહેર જીતી લીધું. પરિણામે યુરોપના દેશોનો ભારત સાથેના વેપારનો માર્ગ બંધ થઈ ગયો.
યુરોપના દેશોમાં ભારતનો માલ જતો બંધ થઈ ગયો. યુરોપની પ્રજા મહદ્દઅંશે માંસાહારી હોવાથી માંસ સાચવવા તેમને ભારતના મરી-મસાલાની અત્યંત આવશ્યક્તા હતી. યુરોપના લોકોને ભારતનાં મરી-મસાલા, તેજાના, સુતરાઉ કાપડ વગેરે વિના ચાલી શકે તેમ નહોતું. તેથી યુરોપિયન પ્રજાને ભારત તરફનો જળમાર્ગ શોધવાની ફરજ પડી.બ્રિટિશ પોલીસતંત્રમાં ઉચ્ચ હોદાઓ પર માત્ર અંગ્રેજોની જ નિમણૂક કરવામાં આવતી. ભારતીયોની સિપાહી (કૉન્સ્ટેબલ) કક્ષાએ ભરતી કરવામાં આવતી.
(2) બ્રિટિશ પોલીસતંત્ર વિશે મુદ્દાસર નોધ લખો.
ઉત્તર : લશ્કર જેટલું જ બ્રિટિશ પોલીસતંત્રનું મહત્ત્વ હતું. તેથી ગવર્નર જનરલ લૉર્ડ કૉર્નવોલિસે ભારતના કંપનીના તાબાના સમગ્ર વિસ્તારના પોલીસતંત્રમાં એકસૂત્રતા લાવવા કેટલાક સુધારા કર્યા. તેણે પરંપરાગત ભારતીય સામંતશાહી પોલીસખાતાની જગ્યાએ આધુનિક પોલીસખાતાની સ્થાપના કરી. તેણે જિલ્લા કક્ષાએ પોલીસ અધિકારી તરીકે જિલ્લા પોલીસ અધિક્ષક(DSP)ની નિમણૂક કરી. તેણે જુદી જુદી જગ્યાએ પોલીસ સ્ટેશનો શરૂ કર્યા. દરેક પોલીસ સ્ટેશન પર એક ફોજદારની નિમણૂક કરી. દરેક ગામમાં એક ચોકીદાર નીમ્યો.
(3) ‘ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે.” મહાત્મા ગાંધીના આ વિધાનને સમજાવો.
ઉત્તર : વિદેશી શાસન અને વિદેશી કાયદો બંને ભારતને પરાધીન સ્થિતિમાં રાખનાર મુખ્ય પરિબળો હતાં. બંને પરિબળોએ ભારતમાં બ્રિટિશ સામ્રાજ્યના પાયા મજબૂત બનાવ્યા હતા. બ્રિટિશ શાસનનાં વિવિધ તંત્રોએ ભારતમાં ગરીબી, બેકારી અને ભૂખમરો સર્જ્યા હતાં. ગામડાંનું અર્થતંત્ર છિન્નભિન્ન કર્યું હતું. શહેરોમાં અનેક સમસ્યાઓ ઊભી થઈ હતી. અંગ્રેજોએ ભારતીયો વિરુદ્ધ નિરંકુશ રીતે વિદેશી કાયદાઓનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભારતમાં બ્રિટિશ શાસન પ્રત્યે અવિશ્વાસનું વાતાવરણ ઊભું થયું હતું.
ભારતના વિદ્વાન અને બુદ્ધિશાળી લોકોએ વિદેશી શાસન બ્રિટિશ શાસનનો ઉગ્ર વિરોધ કર્યો. મહાત્મા ગાંધીએ પણ બ્રિટિશ શાસનમાંથી ભારતને સ્વતંત્ર કરવા ચલાવેલી રાષ્ટ્રીય ચળવળ દરમિયાન લખ્યું હતું કે, ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે, કારણ કે તેનાથી ભારતીય જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ થાય છે.”
(4) દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધનાં પરિણામો જણાવો.
ઉત્તર : દ્વિતીય અંગ્રેજ – મરાઠા યુદ્ધ ઈ. સ. 1803થી 1805 વચ્ચે થયું. તેમા ગવર્નર જનરલ વેલેસ્લીના સૈન્યના હાથે મરાઠાઓની હાર થઈ. આ યુદ્ધથી ઓડિશા અને યમુના નદીની ઉત્તરે આવેલા આગરા અને દિલ્લીના પ્રદેશો અંગ્રેજોની સત્તા નીચે આવ્યા.
પ્રશ્ન 3. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી ઉત્તર લખો
(1) ભારતમાં પોર્ટુગીઝોની રાજધાની કઈ હતી?(A) દમણ
(B) દીવ
(C) ગોવા
(D) દાદરા-નગરહવેલી
જવાબ : (C) ગોવા
(2) ગોલકોંડાના શાસક પાસેથી ફરમાન મેળવી મછલીપટ્ટનમમાં પોતાનું સ્થાન જમાવનાર યુરોપિયન પ્રજા કઈ હતી?
(A) અંગ્રેજ
(B) ડચ
(C) ફ્રેન્ચ
(D) ડેનિશ
જવાબ : (B) ડચ
(3) ભારતમાં ન્યાયતંત્રની શરૂઆત કરનાર અંગ્રેજ અધિકારી કોણ હતો?
(A) ડેલહાઉસી
(B) વેલેસ્લી
(C) ક્લાઇવ
(D) વૉરન હેસ્ટિંગ્સ
જવાબ : (D) વૉરન હેસ્ટિંગ્સ
અમેરિકન ક્રાંતિ વિશેની શિક્ષકો આ વાત જણાવી શકાય તેવી વાત :
અમેરિકન ક્રાંતિ, જેને યુનાઇટેડ સ્ટેટ્સ વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ અથવા અમેરિકન રિવોલ્યુશનરી વોર, (1775-83) પણ કહેવામાં આવે છે, તે એક યુદ્ધ હતું જેમાં ગ્રેટ બ્રિટનની ઉત્તર અમેરિકાની 13 વસાહતોએ રાજકીય સ્વતંત્રતા જીતી હતી અને અંતે યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રચના કરી હતી. બ્રિટિશ તાજ અને તેની ઉત્તર અમેરિકાની વસાહતોના મોટા અને પ્રભાવશાળી વર્ગ વચ્ચેની દુશ્મનાવટમાં એક દાયકા કરતાં વધુ સમય સુધી યુદ્ધ ચાલ્યું. 1778 ની શરૂઆત સુધી, સંઘર્ષ બ્રિટિશ સામ્રાજ્યમાં ગૃહ યુદ્ધ હતું,
7 વર્ષનું યુદ્ધ (1754-1763)
અમેરિકાના પ્રદેશો પર બ્રિટન અને ફ્રાન્સ વચ્ચે:5 ખંડોમાં ફેલાય છે
- ભારત-3જી કર્ણાટક યુદ્ધ
- ફ્રાન્સે તેની મોટાભાગની સંધિ ગુમાવી-હારી
- પેરિસ સંધિ પર હસ્તાક્ષર કર્યા