ધોરણ 6 સામાજિક વિજ્ઞાન પાઠ ૯ આપણું ઘર પૃથ્વી PART 5
9. આપણું ઘર પૃથ્વી
પ્રશ્ન-5 નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો.
1. ટૂંક નોંધ લખો: સૂર્યમંડળ
જવાબ. આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના-મોટા સભ્યો ગોળા રૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને ગ્રહોના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહ સૂર્યની આસપાસ વર્તુળાકારે ફરે છે. આ ગ્રહોને પોતાનું કોઈ પ્રકાશ નથી. સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે.
2. સૂર્યને ‘સજીવોનો પાલક’ કહે છે, કારણ કે......
જવાબ. સૂર્યની સપાટી હંમેશા અસ્થિર રહે છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજ્વલિત થતી અગ્નિજ્વાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઈડ્રોજન વાયુનું બનેલુ છે. તેમાં હાઇડ્રોજન અને હીલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે ‘ઊર્જા’ કહીએ છીએ. જેથી સૂર્યસપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઊર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે. તેથી સૂર્યને ‘સજીવોના પાલક’ તરીકે પણ ઓળખવામાં આવે છે.
૩. ટૂંક નોંધ લખો: ચંદ્ર
જવાબ. પૃથ્વીનો માત્ર એક ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતે એક આંટો પૂરો કરતાં તથા પોતાની ધરી પર એક આંટો પૂરો કરતા આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના પર જીવન નથી. ચંદ્ર પર-પ્રકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાટી પર ઉલ્કા પાત થતા હોવાથી તેની ઉપર ખૂબ જ પણ મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃત જ્વાળામુખી આવેલા છે.
4. કારણ આપો: રાત્રે આકાશમાં ખરતા તારા દેખાય છે.
જવાબ. રાત્રે આકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે ઉલ્કા તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળને લીધે પૃથ્વી તરફ ઝડપથી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઊઠે છે. આ વખતે આકાશમાં તેજ લીસોટા દેખાય છે, તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ.
5. કારણ આપો: આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકીચૂકી છે.
જવાબ. રેખાંશવૃતને ‘આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા’ કહે છે. આ રેખાંશવૃત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે.તે પેસેફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180° પર નથી, વાંકીચૂંકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓ ઉપર એક જ દિવસે બે તારીખ અને બે વાર ભેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે વાંકીચૂંકી છે.
6. ટૂંક નોંધ લખો: કટિબંધો
જવાબ. પૃથ્વીના તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે સ્પષ્ટ રીતે જુદા-જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને ‘કટિબંધો’ કહે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને મુખ્ય ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલા છે. 1.ઉષ્ણ કટિબંધ (અતિશય ગરમી), 2.સમશીતોષ્ણ કટિબંધ (સપ્રમાણ ગરમી-ઠંડી), ૩.શીત કટિબંધ (સખત ઠંડી)
7. સમજાવો: પૃથ્વીનું પરિભ્રમણ
જવાબ. ભમરડો પોતાની ધરી પર ફરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે. તેને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. આ ચક્ર પૂર્ણ કરતા ચોવીસ કલાક થાય છે. પૃથ્વીનો નારંગી જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
8. પૃથ્વી પર દિવસ-રાત કેવી રીતે થાય છે?
જવાબ. પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અડધા ભાગ પર જ સૂર્યપ્રકાશ પડે છે, અને અડધા ભાગ પર અંધારું રહે છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાળું અને બીજી તરફ અંધારું જ રહેત. પણ તેમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં અજ્વાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછુ અજ્વાળામાં આવે છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ-રાતની લંબાઈમાં ફેરફાર થાય છે.
9. પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધમાં એક સમયે અલગ-અલગ ઋતુઓ અનુભવાય છે-સમજાવો.
જવાબ. પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરતી સૂર્યની સામે આવ્યા છે. સૂર્યનાં કિરણો વિષુવવૃતની ઉત્તરે કે દક્ષિણે સીધા પડે છે. આમ થવાથી દિવસ-રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાર્ધમાં શિયાળામાં ઋતુ અનુભવાય છે, જે માનવજીવનને સીધી અસર કરે છે.
10. ટૂંક નોંધ લખો: સંપાત
જવાબ. સૂર્યનો ક્રાંતિવૃત અને વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતા ઉતર ગોળાર્ધમાં “22મી માર્ચ”થી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાર્ધમાં 24મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધી જાય અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાર્ધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકમાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન ‘21મી માર્ચ’ અને ‘23મી સપ્ટેમ્બર’એ સૂર્યના કિરણો વિષુવવૃત ઉપર સીધાં પડતા હોય, રાત અને દિવસ સરખા થાય છે. જે વિષુવવૃત દિન તરીકે ઓળખાય છે.